વર્લ્ડ કેન્સર ડે:  માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દીને થયેલ અન્નનળીના કેન્સરનું સફળતાપૂર્વક ઓપરેશન

રાજકોટ:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, દર 10 માંથી 1 ભારતીયને કેન્સરનું જોખમ છે અને 2025 સુધીમાં દેશના 16 લાખ લોકો કેન્સરનો શિકાર બની શકે છે. 4 ફેબ્રુઆરીને “વર્લ્ડ કેન્સર ડે” તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે તાજેતરમાં જ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે માત્ર 37 કિલો વજન ધરાવતા 72 વર્ષીય મહિલા દર્દી આવ્યા હતા કે જેઓને ખોરાક ગાળવામાં તકલીફ થતી હતી. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. પ્રશાંત વણઝર (કન્સલ્ટન્ટ – મિનિમલ ઇન્વેઝિવ એન્ડ લેપ્રોસ્કોપિક ઓન્કોસર્જન) તથા ડૉ. હિમાંશુ કોયાણી (કન્સલ્ટન્ટ- ઓન્કોસર્જન) દ્વારા તેઓની સારવાર કરતા (દૂરબીનથી તપાસ, બાયોપ્સી અને સીટી સ્કેન વગેરે) માલૂમ થયું કે તેમને અન્નનળીનું કેન્સર છે.

આ કેન્સર ભારતમાં સૌથી વધુ જોવા મળતાં કેન્સરમાંનું એક છે અને ઉત્તરોત્તર તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના કેન્સરપીડિત લોકો મધ્યમ વયના જોવા મળે છે. પરંતુ આ કેસમાં દર્દી વૃદ્ધ હોવાથી અને તેમનું શરીર પણ નબળું હોવાથી તેમને શેક (રેડિએશન) કે ડોઝ (કિમોથેરાપી) આપવા શક્ય ન હતા અને ઓપરેશન કરવું એ એકમાત્ર ઉપાય હતો. જેના માટે દર્દી તથા તેમના પરિવારજનોને ઓપરેશનથી થતા ફાયદાઓ અને જોખમો વિશે ડૉક્ટરોની ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

ડોક્ટરોએ અન્નનળીનું (ટુ ફિલ્ડ ઈસોફેજેકટોમી વીથ ગેસ્ટ્રીક પુલ અપ) ઓપરેશન કરી દર્દીને માત્ર 12 કલાક આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા ને બીજા જ દિવસથી તેઓ હરતા- ફરતા થઈ ગયા હતા અને  પાંચમા દિવસે કોઈ પણ તકલીફ વગર તેમને રજા આપવામાં આવી હતી. ઉપરાંત, 15 દિવસ પછી દર્દીને કોઈ પણ તકલીફ વગર મોઢેથી ખોરાક ચાલુ કરવામાં આવ્યો.

અન્નનળીના કેન્સર અંગે વધુ પ્રકાશ પાડતા ડૉ.પ્રશાંત વણઝર (કન્સલ્ટન્ટ – મિનિમલ ઇન્વેઝિવ એન્ડ લેપ્રોસ્કોપિક ઓન્કોસર્જન) , ડૉ. હિમાંશુ કોયાણી (કન્સલ્ટન્ટ- ઓન્કોસર્જન) વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “અન્નનળીનું કેન્સર સૌથી ઘાતક કેન્સર ગણાય છે. આ રોગની સારવાર માટે મલ્ટિડિસિપ્લિનરી ટીમની જરૂર છે અને (Tri model treatment) એ પ્રકારે સારવારના કારણે આ રોગમાં એડવાન્સ સ્ટેજના દર્દીમાં રોગ નાબૂદ કરી શકાય છે. અન્નનળીના ઓપરેશનમાં શરીરમાંથી લગભગ 22 cm જેટલી અન્નનળી અને જઠરનો ઉપરનો ભાગ કાઢી લેવામાં આવે છે. જઠરમાંથી નવી અન્નનળીની રચનાથી કરવામાં આવે છે અને તેને અન્નનળીમાં સૌથી ઉપરના ભાગ સાથે જોડી દેવામાં આવે છે. આ ઓપરેશન દૂરબીનની મદદથી કરવામાં આવે છે, જેથી લઈને દર્દીને ચીરા વગરનું ઓપરેશન થાય, તે બાદ ઝડપી રિકવરી આવે છે. ઘણા દર્દીઓ કે જેમને ઓપરેશન થઈ શકે તેવી પરિસ્થિતિ ન હોય તેમાં સ્ટેન્ટસ (Oesophageal Stents) મૂકવાનો પણ એક વિકલ્પ છે, જેથી કરીને દર્દી પહેલાંની જેમ મોઢેથી ખાઈ-પી શકે છે.”

અન્નનળીના કેન્સરના મુખ્ય લક્ષણોમાં ખોરાકને ગળેથી ઉતારવામાં તકલીફ થવી (Dysphagia),જમતી વખતે ગળામાં દુખાવો થવો (Odynophagia), વજનમાં ઘટાડો થવો, ભૂખ ન લાગવી, જમ્યાના એક કલાકમાં ઊલટી થઈ જવી, ભોજન લીધા બાદ હોજરીમાં ગેસ ભરાવો, પેટ ભારે લાગવું, ઊબકા આવવા, કાળો ઝાડો થવો વગેરેનો સમાવેશ થાય છે.

આ મહિલા દર્દીના કેસ પરથી કહી શકાય છે કે “કેન્સર એટલે કેન્સલ ના સમજવું”. જયારે ઓપરેશન જ એકમાત્ર કેન્સરની સારવાર માટેનો ઉપાય હોય અને દર્દી હાઈલી મોટીવેટેડ હોય  તો ડૉક્ટરની સલાહ લઈ આવા મોટી ઉંમર કે ઓછા વજન ધરાવતા દર્દીઓમા પણ સફળ સારવાર શક્ય બને છે.

આ ખતરનાક રોગના 100 થી વધુ પ્રકારો છે. આમાંના સૌથી સામાન્ય છે ચામડીનું કેન્સર, સ્તન કેન્સર, ફેફસાનું કેન્સર, અન્નનળીનું કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, મૂત્રાશયનું કેન્સર, મેલાનોમા, લિમ્ફોમા, કિડની કેન્સર છે. મહિલાઓમાં સ્તન, કોલોરેક્ટલ, ફેફસાં, સર્વાઇકલ અને થાઇરોઇડ કેન્સર સૌથી સામાન્ય છે, જ્યારે ફેફસાં, પ્રોસ્ટેટ, કોલોરેક્ટલ, પેટ અને લીવર કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *