અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના હરિયાળા કેમ્પસ ખાતે ‘અટીરા ગરબા નાઇટ ૨૦૨૬’નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવમાં અટીરાના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ઉદ્યોગજગતના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત મહેમાનો અને તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગરબાની રમઝટ સાથે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાની ઉજવણી કરી હતી. સમગ્ર સંધ્યા દરમિયાન પરંપરાગત સંગીત, ભક્તિ અને ઉમંગનો અનોખો માહોલ સર્જાયો હતો. આ ગરબામાં પરફોર્મન્સ મિતાલી નાગ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ રાત્રે ૮ વાગ્યે મંત્રોચ્ચાર અને પરંપરાગત મહાઆરતી સાથે થયો હતો. અટીરાના ડિરેક્ટર શ્રી પ્રજ્ઞેશ શાહ સહિતના અગ્રણીઓએ આરતીમાં સહભાગી બનીને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સહકારી સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી દેવાંગ દાણી, GTPLના હેડ શ્રી દેવાંગ ભટ્ટ, એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિત તેમજ ઉર્જાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જનક નાણાવટી સહિતના અનેક વિશિષ્ટ મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ ઉપરાંત ગુજરાતી નાટ્યજગતનાં જાણીતાં દિગ્દર્શક અને નિર્માત્રી શ્રીમતી આરતી સોની તથા શ્રીમતી ફાલ્ગુની જાનીએ પણ ઉપસ્થિત રહીને ઉજવણીમાં ઉત્સાહ ઉમેર્યો હતો.

આ વર્ષની ગરબા નાઇટનું મુખ્ય આકર્ષણ અને વિશેષ પાસું BPA અને Uthanનાં બાળકોની ઉત્સાહભેર સહભાગિતા રહી હતી. અટીરા દ્વારા સામાજિક સંવેદનશીલતા અને સર્વસમાવેશક અભિગમ દાખવીને આ બાળકોને વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાળકોએ ગરબાના તાલે ઝૂમીને ઉત્સવનો આનંદ માણ્યો હતો, જેનાથી ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા અને આયોજનમાં અનોખી લાગણીત્મક ક્ષણો ઉમેરાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન મિતાલી નાગ અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલા મંત્રમુગ્ધ કરી દેતાં ગરબા ગીતો અને સંગીત સૂર પર રમતવીરો તથા મહેમાનો મોડી રાત સુધી ગરબાના તાલે ઝૂમ્યા હતા. પરંપરાગત ચણિયાચોળી, કેડિયાં અને સાડી જેવા રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને આવેલા ખેલૈયાઓએ અટીરાના પરિસરમાં નવરાત્રિની ભવ્યતાને જીવંત કરી હતી. સંશોધન, વિજ્ઞાન અને ઉદ્યોગ જગતના લોકો માટે ઔપચારિક કામગીરીથી દૂર રહીને પરસ્પર સંવાદ, સ્નેહ અને ટીમભાવના મજબૂત બનાવવાનું આ મંચ એક સુંદર માધ્યમ સાબિત થયું હતું. પરંપરા અને આધુનિકતાના ઉત્કૃષ્ટ સમન્વય સાથે આયોજિત અટીરા ગરબા નાઇટ ૨૦૨૬ સૌ કોઈ માટે એક યાદગાર અને સુખદ અનુભવ બની રહી હતી.
You may also like
-
એકતા પરેડના મંચ પરથી ‘નક્સલ મુક્ત ભારત’નો ગર્જનાભર્યો સંકલ્પ!
-
‘આનંદ મઠ’ના રંગમંચ પર ગુંજ્યો રાષ્ટ્રભક્તિનો નાદ!
-
કાંચીપુરમ સ્થિત શ્રી કાંચી કામકોટિ પીઠમના પૂજનીય પીઠાધિપતિ પરમ પૂજ્ય જગદ્ગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજી આગામી 29 ઑક્ટોબર 2026થી 20 નવેમ્બર 2026 દરમિયાન ગુજરાતની વિજય યાત્રા કરશે
-
નારાયણી હાઇટ્સ ખાતે એસએનએસ કલિનરી ગ્રુપ ના ગરબા મહોત્સવમાં ઇન્ટરનેશનલ સેલિબ્રિટી ટેરોટ રીડર પુનિતજી લુલ્લા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યાં
-
અમદાવાદના નવરંગપુરામાં ‘સિટી વાઇબ –શોપિંગ &લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન’નો પ્રારંભ
