અમદાવાદ, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬:
અમદાવાદના મોટેરા અને સુઘડ વિસ્તારમાં આવેલી જાણીતી ફિટનેસ ચેન ‘જીમ લોન્જ’ (Gym Lounge) ના સંચાલક સાથે તેમના જ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા કર્મચારીઓ દ્વારા રૂ. ૧.૬૬ કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે જીમના સંચાલક વિજયસિંઘ સેંગર દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) સમક્ષ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી અને જિમના માલિક વિજય સેંગરની ફરિયાદ બાદ, પોલીસે કથિત છેતરપિંડી અંગે તપાસ શરૂ કરી છે.
કૌભાંડની વિગત:
ઘટનાની વિગત મુજબ, જીમના ૧૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંચાલક દ્વારા ૧ થી ૧૦ જુલાઈ દરમિયાન “રૂ. ૧૦,૦૦૦માં ૧૦ વર્ષની મેમ્બરશિપ” ની એક વિશેષ ઓફર રજૂ કરવામાં આવી હતી. આ મુદત પૂરી થયા બાદ જીમ માલિક પોતાના કામકાજ અર્થે વિદેશ તથા બહારગામ ગયા હતા. તેમની ગેરહાજરીનો લાભ ઉઠાવીને જીમનો વહીવટ સંભાળતા સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માએ આ બંધ થયેલી સ્કીમને ગેરકાયદેસર રીતે ચાલુ રાખી હતી.
આરોપીઓએ અન્ય સ્ટાફને ગેરમાર્ગે દોરીને અંદાજે ૨૫૦૦ જેટલા ગ્રાહકો પાસેથી આ મેમ્બરશિપના નામે રકમ વસૂલ કરી હતી. ગ્રાહકો પાસેથી મળેલા આ નાણાં કંપનીના સત્તાવાર એકાઉન્ટમાં જમા કરાવવાને બદલે આરોપીઓએ રોકડ (Cash) અને પોતાના અંગત બેંક ખાતા (UPI) માં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ગુનાહિત કાવતરામાં જૈનિશ શુક્લાની પત્ની ભારતી શુક્લાનું નામ પણ સામેલ હોવાનું ખૂલ્યું છે.
બોગસ દસ્તાવેજો અને નવા જીમની તૈયારી:
કૌભાંડ આચરવા માટે આરોપીઓએ ‘જીમ લોન્જ’ના નામને મળતું આવતું બોગસ ભાગીદારી કરારપત્રક (Forged Partnership Agreement) તૈયાર કરી નવું બેંક એકાઉન્ટ ખોલાવી લીધું હતું અને નાણાં શંકાસ્પદ રીતે ડાયવર્ટ કર્યા હતા. પ્રાથમિક તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે આરોપીઓ છેતરપિંડીથી મેળવેલા આ નાણાંનો ઉપયોગ કરીને પોતાનું નવું જીમ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા.
કૌભાંડનો પર્દાફાશ અને કડક પોલીસ કાર્યવાહી:
જીમ માલિક પરત આવ્યા બાદ જ્યારે તેમણે જીમમાં નવા સભ્યોની હાજરી જોઈ અને સોફ્ટવેર તેમજ એકાઉન્ટ્સ ચકાસ્યા, ત્યારે રેકોર્ડમાં મોટી વિસંગતતા જોવા મળી હતી. ગ્રાહકો પાસે રસીદો હોવા છતાં કંપનીના બેંક એકાઉન્ટમાં રકમ જમા ન હોવાથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (EOW) દ્વારા બેંક એકાઉન્ટ્સ, સીસીટીવી ફૂટેજ અને પેમેન્ટ રેકોર્ડ્સના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં સામેલ મુખ્ય આરોપીની પત્નીની ધરપકડ કરી છે અને ફરાર સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ તપાસ બાદ નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે.
You may also like
-
અમદાવાદમાં ગરબાની ભવ્યતા અને સંગીતનો નવો અનુભવ: “રાતલડી – સિટી ઓફ ડ્રીમ્સ 2026” આ વર્ષે નવા વેન્યુ અને નવા કોન્સેપ્ટ સાથે તૈયાર
-
અમદાવાદમાં IAF EDI+IONS ની બીજી એડિશનનું આયોજન : શહેરના આર્ટ, ડિઝાઇન અને આર્કિટેક્ચરના સમૃદ્ધ વારસાની ઉજવણી
-
વીકએન્ડ માટે પરફેક્ટ પિક્ચર: પરિવાર સાથે મનોરંજન માણવા માટે અચૂક જુઓ ‘ચટણી’
-
ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લોન્ચ થઈ રહી છે, જે શહેરના આર્ટ, ડિઝાઇન અને સ્થાપત્ય (આર્કિટેક્ચર)ના સમૃદ્ધ વારસાની ઉજવણી કરે છે
-
બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા ‘તત્વિનિટી (Tatvinity)ની અનોખી પહેલ – બિઝનેસ સ્ટ્રેટેજી, કોન્શિયસનેસ અને સ્પિરિચ્યુઅલ ગ્રોથને સાથે લાવતો નવો અભિગમ
