ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલ અમદાવાદના મહેમાન બન્યા

  • સ્ટારકાસ્ટ એ ફેન્સ સાથે ગરબાની પણ મજા માણી

અમદાવાદ, સપ્ટેમ્બર 2025: બૉલીવુડના લોકપ્રિય નિર્માતા કરણ જોહરની નવી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલએ શહેરમાં ધામધૂમથી પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી અને ફેન્સ સાથે ગરબાની પણ રમઝટ માણી. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલ અને 2 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મએ દર્શકોમાં ભારે ચર્ચા જગાવી છે. ફિલ્મમાં હળવા રોમાંસ સાથે કોમેડી, કન્ફ્યુઝન અને ઇમોશન્સનું મિશ્રણ જોવા મળે છે. અમદાવાદ આવીને તેઓએ ગરબાની પણ રમઝટ માણી હતી.

ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીયે તો વરુણ ધવનનું પાત્ર સાન્યા મલ્હોત્રાને પ્રેમ કરે છે, પરંતુ તે રોહિત સરાફ સાથે લગ્ન કરશે, જે ખરેખર જાહ્નવી કપૂરના પાત્રનો એક્સ બોયફ્રેન્ડ છે. વરુણ અને જાહ્નવી બંને તેના પ્રેમીના લગ્નથી નારાજ છે. નવો વળાંક ત્યારે આવે છે જ્યારે વરુણ જાહ્નવીને કહે છે કે તેની એક્સ અને જાહ્નવીનો એક્સ લગ્ન કરી રહ્યા છે. બંને પોતાના તૂટેલા દિલ સાથે નજીક આવે છે અને સાથે મળીને પોતાના જૂના પ્રેમને પાછો મેળવવાનો પ્લાન બનાવે છે. તેઓ પોતાના દેખાવ બદલી નાખે છે અને એકબીજાના બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોવાનો ડોળ કરવાનું શરૂ કરે છે. અહીંથી સ્ટોરીમાં હળવી કોમેડી, રોમાંસ અને ઈમોશન ટ્રેક આવે છે.

અમદાવાદની મુલાકાત દરમિયાન સ્ટારકાસ્ટે જણાવ્યું કે, “ગુજરાતી દર્શકો હંમેશા ફિલ્મોને ખૂલ્લા દિલથી સ્વીકારે છે. અમદાવાદમાં મળેલાં આદર અને પ્રેમ અમારે માટે ખાસ છે.”

આ ફિલ્મનું દિગ્દર્શન શશાંક ખૈતાનએ કર્યું છે જ્યારે ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને મેન્ટર ડિસાઇપલ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોડ્યૂસર્સમાં કરણ જોહર, અપૂર્વા મેહતા, હીરૂ યશ જોહર, આદર પૂનાવાલા અને શશાંક ખૈતાન સામેલ છે. ફિલ્મના ગીતો પણ રિલીઝ થતા જ લોકપ્રિય બની રહ્યા છે. ‘બીજુરીયા’ ગીત તનિશ્ક બાગચી દ્વારા રિક્રિએટ થયું છે, જે મૂળ સોનુ નિગમના ક્લાસિક ટ્રેક પરથી પ્રેરિત છે. તાજેતરમાં રિલીઝ થયેલું ‘તૂ હૈ મેરી’ પણ દર્શકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે.

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ 2 ઓક્ટોબર, 2025 એ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને ફેમિલી ઓડિયન્સ માટે એક પરફેક્ટ મનોરંજક ફિલ્મ સાબિત થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *