શ્રદ્ધા ડાંગરનો સંસ્કાર ભર્યો અવતાર ‘ચિત્રા’ રૂપે, વિશ્વગુરુ 1 ઓગસ્ટે થશે રિલીઝ

  • ગુજરાતી સિનેમામાં આધ્યાત્મિકતા અને સંસ્કારનો સિદ્ધ સંદેશ આપતી નવી ફિલ્મ

અમદાવાદ: સૌંદર્ય એનો આભૂષણ છે, સંસ્કાર એનો આધાર છે અને આધ્યાત્મિકતા એની વિચારધારા.” – આ ઊંડી વિચારરેખા સાથે અભિનેત્રી શ્રદ્ધા ડાંગર ફિલ્મ વિશ્વગુરુમાં ચિત્રા તરીકે એક શક્તિશાળી પાત્ર નિભાવતી નજરે પડશે. ગુજરાતી સિનેમાની નવી લહેર સમાન આ ફિલ્મ 1 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત અને અન્ય શહેરોમાં રિલીઝ થવાની છે.

સુકૃત પ્રોડક્શન દ્વારા રજૂ કરાયેલ અને સ્વસ્તિક મોશન પિક્ચર પ્રોડક્શનની સહભાગિતામાં બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોગાણી અને અતુલ સોનીએ સંભાળ્યું છે, જ્યારે ફિલ્મના નિર્માતા છે સતીશ પટેલ.

વિશ્વગુરુમાં માત્ર શ્રદ્ધા ડાંગર જ નહીં, પરંતુ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનેક જાણીતા ચહેરાઓ નજરે પડશે, જેમાં ગૌરવ પસવાલા, કૃષ્ણ ભારદ્વાજ, મુકેશ ખન્ના, નિસુબાબા, પ્રશાંત બારોટ, મકરંદ શુક્લ, સોનુ ચંદ્રપાલ, હિના જયકિશન, રાજીવ મહેતા, ભાવિની જાની, અરવિંદ વૈદ્ય, પંડિત કૃણાલ, બિમલ ત્રિવેદી સહિત અનેક લોકપ્રિય કલાકારો સામેલ છે.

ફિલ્મનું લેખન કીર્તિ ઉપાધ્યાય અને અતુલ સોની દ્વારા કરવામાં આવ્યું છે. વાર્તા આધ્યાત્મિક જીવનદષ્ટિ, સંસ્કાર અને સમાજમાં વ્યુહાત્મક પરિવર્તનના વિચાર સાથે ગોઠવવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આધુનિક દૃષ્ટિકોણ સાથે જોડતી આ ફિલ્મ એક વિચારશીલ પ્રસ્તુતિ બની રહે તેવી આશા છે.

ફિલ્મના દિગ્દર્શક શૈલેષ બોગાણી જણાવે છે કે, વિશ્વગુરુ માત્ર એક ફિલ્મ નથી, પણ સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. દરેક પાત્રને ખૂબ સંવેદનશીલ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.”

આ ફિલ્મ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને મુંબઈ સહિતના શહેરોમાં એકસાથે રિલીઝ થવાની છે. ફિલ્મના ટીઝર અને પોસ્ટર્સ સોશિયલ મીડિયામાં પહેલાંથી જ લોકોની વચ્ચે ઉત્સુકતા ઊભી કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *