ટ્રેલર લિંક: http://www.youtube.com/watch?v=E4lb0lsbGPU
અમદાવાદ: અમદાવાદ: જ્યાં સાવજની ત્રાડ અને શ્રદ્ધાના શ્વાસ એકસાથે ધબકે છે, એવા ગીરના જંગલમાં જ્યારે લોભ અને અહંકારનો પડછાયો પડે છે, ત્યારે શું થાય છે? આ જ સળગતા સંઘર્ષ અને દિવ્ય પ્રતિકારની રોમાંચક ઝલક આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’ના સત્તાવાર ટ્રેલરમાં જોવા મળે છે. ‘રાજાધિરાજ’, ‘સરદાર’ અને ‘છોટા ભીમ’ જેવા ભવ્ય અને સફળ નાટકો તેમજ સુપરહિટ ફિલ્મ ‘લાલો’ આપનાર નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત અને દિગ્દર્શક વિજયગીરી બાવા (‘કસૂંબો’, ‘૨૧મું ટિફિન’) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ઉચ્ચ પ્રોડક્શન સ્કેલ, ભવ્ય VFX અને દમદાર વિઝ્યુઅલ અનુભવ સાથે 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
ટ્રેલરની શરૂઆત ગીરના એવા અદ્ભુત અને રહસ્યમય વિશ્વથી થાય છે જ્યાં માંસાહારી વન્યજીવો અને શાકાહારી માણસો કોઈ સંઘર્ષ વિના સહજીવન જીવે છે. બાળપણથી જ સિંહના બચ્ચાને ‘વનરાજ’ કહીને ઉછેરતી અંબા (રીવા રાચ્છ) હાથમાં ડાંગ લઈને કૂદે છે ત્યારે વન વિભાગના અધિકારી (દર્શન પંડ્યા) “મેઘાણીની ચારણ કન્યા આજે મેં નજરે જોઈ!” બોલી ઊઠે છે, તો વિદેશી પ્રવાસીને આ રહસ્યમય કન્યા વિશે ‘માંગળાની ભૂતાવળ’ તરીકે ઓળખ આપવામાં આવે છે. પરંતુ આ પવિત્ર સંવાદિતા ત્યારે તૂટે છે જ્યારે શિકારીઓની ગેંગ જંગલની શાંતિ ડહોળવા મેદાનમાં આવે છે અને અહંકારમાં રાચતો શિકારી (જગજીતસિંહ વાઢેર) “વનરાજ ગીરનો કુતરો કહેવાય, જંગલનો રાજા માત્ર એક જ છે, લાલજી” જેવો ઘમંડી પડકાર ફેંકે છે.
શિકારીઓ સામે સાવજને બચાવવા વન વિભાગના અધિકારી બાથ ભીડે છે, અને કુદરતના ગૂઢ રહસ્યને સમજાવતા વડીલ માતાજીને આજીજી કરે છે કે “કૃપા કરો માં, આ ગીરમાં તમે જોગણી થઈને પૂજાશો.” ત્યારબાદ શિકારીઓ સામે જગદંબાના અવતારમાં ‘અંબા’ની એન્ટ્રી થાય છે અને વોઈસઓવરમાં “એ દીકરી માથે જગદંબાનો પાલો છે. અને ઈ સાવજ, સાક્ષાત નરસિંહનો અવતાર, એ લીલા મારી માવડીની છે અને પરચો ગેબીનાથનો. અલખ નિરંજન” ગુંજે છે. પાણીમાંથી નીકળતી અંબા અને વનરાજના દિલધડક દ્રશ્યો તથા ઉચ્ચ કક્ષાના VFX ટ્રેલરને અત્યંત રોમાંચક બનાવે છે.
‘લાલો’ ફેમ રીવા રાચ્છ મુખ્ય શીર્ષક પાત્ર ‘અંબા’ના પાવન અને સશક્ત રોલમાં છે, તો તેમની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ ટ્રેલરમાં ખાસ ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, અમેરિકન અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, આકાશ ઝાલા, સ્વાતિ દવે, ફિરોઝ ઈરાની અને રિદ્ધિ ડાંગર મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. વિજયગિરી ફિલ્મોસ પ્રોડક્શન્સ (Vijaygiri FilmOs Productions) ના બેનર હેઠળ, શ્રી પરિમલ નાથવાણીના આશીર્વાદ સાથે ભૂમિ નાથવાણી દ્વારા નિર્મિત અને ટ્વિંકલ વિજયગિરી સહ-નિર્મિત આ ફિલ્મનું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. કરશે. વિજયગીરી બાવાની વાર્તા-પટકથા, રામ મોરીના સંવાદો, ગાર્ગેય ત્રિવેદીની સિનેમેટોગ્રાફી અને કેદાર-ભાર્ગવના સંગીતે ફિલ્મને નવી ઊંચાઈ આપી છે.
શિકારીના ઘમંડ સામે લોકસંસ્કૃતિના સ્વાભિમાન અને વન્યજીવ પ્રેમની આ ટક્કર માત્ર પડદા પરનો સંઘર્ષ નથી, પરંતુ ગીરના નેસડાઓમાં વસતા માલધારીઓની અડગ શ્રદ્ધા અને સાવજ સાથેની અતૂટ મૈત્રીની ગર્જના છે — જ્યાં પ્રકૃતિ અને માનવ વચ્ચેનો સંબંધ કોઈ કાયદા કે સરહદનો મોહતાજ નથી, પરંતુ આસ્થા અને સાહસનો જીવંત સંવાદ છે. 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રજૂ થનારી ‘અંબા’ ગુજરાતી સિનેમાને એક નવી દિશા અને ભવ્યતા આપતી અવિસ્મરણીય ગાથા બની રહેશે.
You may also like
-
સેમસંગની ભારત પર 30 વર્ષની મહત્વાકાંક્ષી પડતરે તેના વ્યવસાયથી આગળ શું બનાવ્યું
-
બધું ઓલરાઇટ છે – પારિવારિક ગડમથલ, હાસ્ય અને લાગણીઓનું અદભુત મિશ્રણ
-
10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ 2026 અમદાવાદમાં યોજાયો
-
એડવાન્સ્ડ મટિરિયલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સના ભવિષ્યને આકાર આપવા માટે વૈશ્વિક નિષ્ણાતો અમદાવાદમાં ISAC 2026 માટે એકત્રિત થયા
-
ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ ભારત–અમેરિકા કૃષિ સહકારને નવી ગતિ
