અમદાવાદના ૪૪ વર્ષીય જાણીતા બિઝનેસમેન અને સાયકલિસ્ટ નયન જૈને અશક્યને શક્ય બનાવીને વૈશ્વિક સાયકલિંગ ક્ષેત્રે ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સાયકલિંગ જગતમાં ‘માઉન્ટ એવરેસ્ટ’ સમાન ગણાતી વિશ્વની સૌથી કઠિન અલ્ટ્રા-સાયકલિંગ ઇવેન્ટ્સમાંની એક એવી પ્રતિષ્ઠિત ‘NorthCape4000’ (નોર્થ કેપ ૪૦૦૦) ચેલેન્જ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ૨૫ જુલાઈ ૨૦૨૬ના રોજ ઇટલીથી શરૂ કરીને યુરોપના એકસ્ટ્રીમ ઉત્તરી છેડા એવા નાર્વેના નોર્થ કેપ સુધીની ૪,૦૧૨ કિલોમીટરની અત્યંત સાહસિક મુસાફરી તેમણે નિર્ધારિત સમયમાં માત્ર ૧૯ દિવસમાં પૂરી કરી છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે નયન જૈન આ અલ્ટ્રા-સાયકલિંગ ઇવેન્ટ પૂરી કરનારા અમદાવાદના સૌપ્રથમ સાયકલિસ્ટ બન્યા છે.
આ સ્પર્ધા સાધારણ સાયકલિંગ ઇવેન્ટ કરતાં સાવ અલગ છે, કારણ કે આ સંપૂર્ણપણે ‘ટોટલી અનઅસિસ્ટિડ’ અને સોલો રાઇડ હોય છે. જેમાં રાઇડરની પાછળ કોઈ સપોર્ટ વ્હીકલ, ટેકનિકલ ટીમ કે રહેવા-જમવાની વ્યવસ્થા કરનાર હોતું નથી. ૪,૦૦૦ કિમીથી વધુના આકરા માર્ગ પર સાયકલ રિપેરિંગ, ખોરાક શોધવો, રાતવાસો કરવો અને રૂટ નેવિગેટ કરવાની તમામ જવાબદારી સાયકલિસ્ટે પોતે જ ઉઠાવવાની હોય છે. નયન જૈને શુદ્ધ શાકાહારી (Vegan) હોવા છતાં ખાનપાનની તંગી વચ્ચે, હોસ્ટેલ્સ, કેમ્પસાઇટ્સથી લઈને ગેરેજ સુધીમાં રાતવાસો કરીને અને ૮-૧૦ કિલો વજન પીઠ પર ઊંચકીને પણ દૈનિક ૧૨ થી ૧૪ કલાક સતત પેડલિંગ ચાલુ રાખ્યું હતું.
ઇટલી, જર્મની, સ્વીડન થઈને નાર્વે સુધીની આ સફર દરમિયાન તેમણે ૩૮°C ની કાળઝાળ ગરમીથી લઈને ૩°C ની થીજવતી ઠંડીનો સામનો કર્યો હતો. રસ્તામાં ૪૦ કિમી/કલાકની ઝડપે ફુંકાતા ઝંઝાવાતી પવનો, બરફના કરા સાથેનો વરસાદ, દરિયાની નીચેથી પસાર થતી અંધારી તંગ ટનલો અને આકરા આલ્પાઇન ચઢાણો વચ્ચે તેમણે આખી રાઇડ દરમિયાન કુલ ૩૬,૦૦૦ મીટરથી વધુનું એલિવેશન (ચઢાણ) સર કર્યું હતું, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં ૪ ગણું વધારે છે.
પોતાની સફર સાથે જોડાયેલા એક વિશેષ અનુભવ અંગે વાત કરતા નયન જૈને જણાવ્યું કે, “હું મારી સાથે ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યો હતો. મારો લક્ષ્યાંક ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે નાર્વે પહોંચીને તિરંગો લહેરાવવાનો અને દેશને આ સફર સમર્પિત કરવાનો હતો. પરંતુ ૧૩મી ઓગસ્ટે જ આ રાઇડ પૂરી થઈ જતાં ધાર્યા સમય કરતાં વહેલા પહોંચવાનો મને વિશેષ હર્ષ છે. ત્યાં પહોંચીને મેં દેશના તિરંગા સાથે ફોટો પડાવ્યો હતો, જે દેશ અને રાષ્ટ્રભાવના પ્રત્યેનું મારું સમર્પણ છે. હાલમાં ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક્સ જેવી રમતો યોજવાની સંભાવનાઓ અને રમતગમત પ્રત્યે વધતી જાગૃતિ વચ્ચે આ સિદ્ધિ એક નાનકડું યોગદાન અને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ છે.”
પોતાની આ ઐતિહાસિક સિદ્ધિ વિશે વાત કરતા નયન જૈને જણાવ્યું હતું કે, “NorthCape4000 માં ભાગ લેવો અને તેને નિર્ધારિત સમયમાં પૂરી કરવી એ મારી બકેટ-લિસ્ટનો ભાગ નહીં, પણ મારૂં વર્ષો જૂનું સ્વપ્ન હતું. આ મુસાફરીમાં ૧,૯૦૦ કિમીથી વધુનો રસ્તો એવો હતો જ્યાં આસપાસ કોઈ જ માણસ નહોતું. આ નિર્જન શાંતિ અને એકલતા શરૂઆતમાં અસ્વસ્થ કરે છે, પણ ધીમે ધીમે તે તમને તમારી જાત સાથે વાત કરતા શીખવે છે. જ્યારે યોજનાઓ નિષ્ફળ જાય અને રસ્તામાં પડકારો આવે, ત્યારે તમારું મન જ તમને આગળ વધવાની શક્તિ આપે છે. આ સફરે મને શીખવ્યું કે સફળતા એ માત્ર શારીરિક તાકાત નથી, પણ બદલાતી પરિસ્થિતિમાં શાંત રહીને અનુકૂળ થવાની ક્ષમતા છે.”
એક મારવાડી અને જૈન પરિવારમાંથી આવતા નયન જૈન માટે કૌટુંબિક તથા વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચેથી ૧૯ દિવસનો સમય ફાળવવો એ ખૂબ મોટો ત્યાગ અને ચોક્કસ આયોજનનો ભાગ હતો. તેમણે પોતાની આ સફળતા પોતાના પરિવાર, પત્ની, બાળકો, માતા-પિતા અને ભાઈને સમર્પિત કરી છે. ૪૪ વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવતાં તેમણે ઉમેર્યું હતું કે, “ઉંમર એ માત્ર એક આંકડો છે. આપણે બાળકોને શિસ્ત અને સખત પરિશ્રમ વિશે કહીએ છીએ, પરંતુ તેઓ આપણા કાર્યો જોઈને વધુ શીખે છે. પૈસા કે સોશિયલ મીડિયા તમને એ સંતોષ નથી આપી શકતા જે અશક્ય લાગતા લક્ષ્યને પૂરું કરવાથી મળે છે.”

You may also like
-
“15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટી માર્કનું ભવ્ય સન્માન
-
અટીરાની કોમ્પોઝિટ નવીનતાએ ભરી ઉડાન
-
ફિંગરટિપ્સ દ્વારા “યુનિક વૃક્ષારોપણ” અંતર્ગત 1 લાખ વૃક્ષો વાવવાના મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ
-
ડો. મિતાલી નાગ (આર્ક ઇવેન્ટ્સ) દ્વારા કિશોર કુમારની જન્મજયંતિ નિમિત્તે સંગીતમય શ્રદ્ધાંજલિ
-
અમદાવાદમાં યોજાયેલા ‘ઓકલ્ટ કોન્ક્લેવ 2026’માં ઈન્ટરનેશનલ ટેરોટ રીડર પુનિતજી લુલ્લા એ ટેરોટ કાર્ડ રીડિંગ અંગે માહિતી આપી
