અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાતના ફિલ્મ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. GCCI દ્વારા વર્ષ 2026-27 માટે ‘ફિલ્મ્સ ટાસ્કફોર્સ’ ની રચના કરીને તેના ચેરમેન તરીકે જાણીતા ફિલ્મ નિર્માતા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિષેક જૈનની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ અમદાવાદ સ્થિત GCCI કાર્યાલય ખાતે અભિષેક જૈનની અધ્યક્ષતામાં ફિલ્મ્સ ટાસ્કફોર્સની પ્રથમ સમીક્ષા બેઠક પણ યોજાઈ ગઈ, જેમાં ગુજરાતના ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને સ્ટેકહોલ્ડર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અભિષેક જૈનની આ નિમણૂક અંગે વ્યાપક દૃષ્ટિકોણ રજૂ કરતા GCCI ના પ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે, “અભિષેક જૈન પાસે સર્જનાત્મક અનુભવ, વ્યાવસાયિક સૂઝબૂઝ અને ગુજરાતી સિનેમા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતાનું દુર્લભ મિશ્રણ છે. તેમની ફિલ્મ ‘મારણ’ ને 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે, જે તેમની પ્રતિભા અને ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી સફળ ફિલ્મોથી લઈને ગુજરાતી કન્ટેન્ટ પ્લેટફોર્મ્સ સુધીનો તેમનો અનુભવ ઉદ્યોગની બદલાતી જરૂરિયાતોને સમજવામાં ખૂબ ઉપયોગી નીવડશે. અમારું માનવું છે કે તેમનું નેતૃત્વ ફિલ્મ નિર્માતાઓ, પ્રોડ્યુસર્સ, ટેકનિશિયનો, થિયેટર માલિકો, રોકાણકારો અને સરકારી સંસ્થાઓને એક મંચ પર લાવીને સિનેમાને માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિ જ નહીં, પરંતુ રોજગારી અને આર્થિક મૂલ્ય સરજતા એક મજબૂત ઉદ્યોગ તરીકે સ્થાપિત કરશે.”
આ યોજાયેલી પ્રથમ બેઠકમાં ગુજરાતના ફિલ્મ ઉદ્યોગને નડતી વ્યાવસાયિક અને પ્રક્રિયાગત મુશ્કેલીઓ તેમજ તેના વ્યવહારુ ઉકેલો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સેન્સર બોર્ડ અને ફિલ્મ સર્ટિફિકેશન પ્રક્રિયાના પડકારો, સબસિડી ફ્રેમવર્કનું અમલીકરણ, ગુજરાત ટુરિઝમ (TCGL) ની સિંગલ-વિન્ડો સિસ્ટમ દ્વારા શૂટિંગ પરમિશન સરળ બનાવવા, વિવિધ સર્વિસ ચાર્જિસ, થિયેટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ક્રીન્સની ઉપલબ્ધતા જેવા મહત્વના મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોના યોગ્ય વિતરણ (Distribution), રોયલ્ટી સંબંધિત નીતિઓ અને ઉદ્યોગના સુવ્યવસ્થિત વિકાસ માટે એક સર્વગ્રાહી રીસર્ચ બેઝ્ડ ડેટાબેઝ તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ફિલ્મ ક્ષેત્રે આગળની રણનીતિ સ્પષ્ટ કરતા GCCI ના પ્રમુખ રાજેશ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, “વર્ષ 2026-27 દરમિયાન અમારું ધ્યાન પાંચ મુખ્ય બાબતો પર રહેશે – સિનેમાની આસપાસ વ્યાવસાયિક ઇકોસિસ્ટમ મજબૂત કરવી, પ્રોડક્શન અને સ્ટુડિયો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો, સ્થાનિક કલાકારો અને ટેકનિશિયનોનું સ્કિલ ડેવલપમેન્ટ કરવું, ગુજરાતી કન્ટેન્ટ માટે વૈશ્વિક અને OTT માર્કેટનો વિસ્તાર કરવો, અને સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27 નો મહત્તમ ઉપયોગ કરીને ગુજરાતને પ્રમુખ શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રોત્સાહિત કરવું.”
આ બેઠકમાં ઉદ્યોગના અગ્રણીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, જેમાં વૈશલ શાહ, દર્શન ત્રિવેદી, જય વ્યાસ, કૃષ્ણદેવ યાજ્ઞિક, મનીષ સૈની, ટ્વિંકલ વિજયગિરી, જીજ્ઞેશ પટેલ, જગત બી. ગાંધી, શૈલેષ ધમાલિયા, મનોજ આહીર, સંજય સોની, નિલય ચોટાઈ, કૃણાલ સોની, તાન્યા પરીખ અને આશિલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ્સ ટાસ્કફોર્સ આગામી સમયમાં આ ક્ષેત્રના ઉકેલ માટે સરકાર અને સંબંધિત વિભાગો સાથે સતત સંકલન સાધીને કામગીરી આગળ ધપાવશે.
