તત્વ પ્રોજેક્ટ્સ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

અમદાવાદ, 15મી ઓગસ્ટ: તત્વ પ્રોજેક્ટ્સ દ્વારા આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કામ ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર અનોખી રીતે કરવામાં આવી. સામાન્ય રીતે આ કાર્યક્રમ માત્ર કચેરીઓ કે શાળાઓમાં જ જોવા મળે છે, પરંતુ તત્વ પ્રોજેક્ટ્સ એ આ વર્ષે તેમની સાથે જોડાયેલા શ્રમિક ભાઈ–બહેનો સાથે તિરંગો ફરકાવીને એક વિશિષ્ટ સંદેશ આપ્યો કે રાષ્ટ્ર નિર્માણમાં શ્રમિકોનું યોગદાન સર્વોપરી છે.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ અને વાસ્તુ વિશારદ ડૉ. તેજસ મોજિદ્રા ઉપસ્થિત રહ્યા. તિરંગા ધ્વજ ફરકાવ્યા બાદ ડૉ. મોજિદ્રાએ શ્રમિકોને પ્રેરણાદાયી શબ્દોમાં સંબોધિત કરતાં કહ્યું કે, “શ્રમિકો ભારતના ખરેખર રાષ્ટ્ર નિર્માતા છે. જેમના પરિશ્રમથી ઇમારતો ઊભી થાય છે, રસ્તાઓ બને છે, શહેરો વિકસે છે. સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનમાં જોડાઈને તમે તમારી કુશળતા વધારી શકો છો અને તમારું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવી શકો છો.”

તેમણે શ્રમિકોને ખાસ સંદેશ આપ્યો કે પોતાના બાળકોને અભ્યાસ તરફ પ્રોત્સાહિત કરો, કારણ કે શિક્ષણ જ એવુ હથિયાર છે જે આવતી પેઢીને ગરીબીમાંથી બહાર કાઢી શકશે અને રાષ્ટ્રને વધુ શક્તિશાળી બનાવશે.

આ અવસરે તત્વ પ્રોજેક્ટ્સના પાર્ટનર શ્રી જીગર પટેલે પણ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું  કે,”તત્વ પ્રોજેક્ટ્સ માટે શ્રમિકો માત્ર કામદારો નથી, પરંતુ અમારા સાથીદારો છે. અમે માનીએ છીએ કે તેમના વિના કોઇપણ સપનું સાકાર થઈ શકે નહીં. અમારા પ્રોજેક્ટો તેમની મહેનતથી જ જીવંત બને છે. અમારી કંપની માત્ર ઈમારતો નહીં, પરંતુ સમાજ અને દેશના ભવિષ્યનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે.”

કાર્યક્રમ દરમિયાન શ્રમિકોના બાળકોને તિરંગા અને મીઠાઈનું વિતરણ કરાયું અને સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાયું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રપ્રેમના સૂત્રોચ્ચારથી સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો.

તત્વ પ્રોજેક્ટ્સની આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ  ન હતો પરંતુ શ્રમિકોની મહેનતને માન આપતો અને રાષ્ટ્રનિર્માણમાં તેમની અગત્યની ભૂમિકા પર પ્રકાશ પાડતો એક પ્રેરણાસ્પદ સંદેશ બન્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *