TiE અમદાવાદે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનીટી પ્રભાવ સાથે 25 વર્ષ પૂર્ણ કર્યા

અમદાવાદ, ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ (TiE) ના અમદાવાદ ચેપ્ટરે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનિટી ઈમ્પેકટને પ્રોત્સાહન આપવાના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2000માં સ્થાપિત TiE અમદાવાદ ચેપ્ટર આજે ભારતના અગ્રણી અને વૈશ્વિક સ્તરે માન્ય ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે.

છેલ્લા અઢી દાયકામાં TiE અમદાવાદે શરૂઆતના તબક્કાના સ્થાપકોને માર્ગદર્શન પૂરું પાડવું, મૂડીની ઉપલબ્ધતા સુલભ બનાવવી અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોને રાષ્ટ્રીય તથા વૈશ્વિક બજારો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 25મી વર્ષગાંઠના અવસરે ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, માર્ગદર્શકો, કોર્પોરેટ નેતાઓ અને ઇકોસિસ્ટમ ભાગીદારો એકત્રિત થયા હતા.

TiE ના ગ્લોબલ ચેર શ્રી મુરલી બુક્કાપટ્ટનમે અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “TiE અમદાવાદની 25 વર્ષની યાત્રા મજબૂત સ્થાનિક પાયાં સાથે વૈશ્વિક અસરનું ઉત્તમ ઉદાહરણ છે. સ્થાપકો, માર્ગદર્શકો અને રોકાણકારો પ્રત્યેની તેની સતત પ્રતિબદ્ધતા તેને TiE વૈશ્વિક નેટવર્કમાં એક આગવું ચેપ્ટર બનાવે છે.”

TiE અમદાવાદના પ્રમુખ શ્રી ભાવિન ભગતે જણાવ્યું હતું કે, “આજે 262 સભ્યો સાથે અને TiE વૈશ્વિક નેટવર્કમાં કેટેગરી A ચેપ્ટર તરીકે માન્યતા પ્રાપ્ત કરીને TiE અમદાવાદ ચેપ્ટર મજબૂત અને વિશ્વસનીય ઉદ્યોગસાહસિક સમુદાય તરીકે વિકસ્યું છે. સહકાર, જોડાણ અને પાછું આપવાની ભાવનાએ અમારી સફળતાનો મજબૂત પાયો રચ્યો છે.”

TiE અમદાવાદના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જૈમિન શાહે જણાવ્યું હતું કે, “TiEની ખાસિયત તેની ‘give back’ સંસ્કૃતિ છે, જે અનુભવી ઉદ્યોગસાહસિકો, માર્ગદર્શકો અને વૈશ્વિક નેટવર્ક સુધી અનન્ય પહોંચ પૂરી પાડે છે.”

TiE ના ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના સભ્ય તથા TiE અમદાવાદના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “મજબૂત પાયા અને સક્રિય કોમ્યુનિટી સાથે TiE અમદાવાદનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે.”

TiE અમદાવાદના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી લવિતા ગોમેઝે જણાવ્યું હતું કે, “TiE અમદાવાદની સફળતા પાછળ માર્ગદર્શકો, સ્થાપકો, ભાગીદારો અને સ્વયંસેવકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. અમારું ધ્યેય હંમેશા વિશ્વાસ, માર્ગદર્શન અને સહાયક પ્રણાલી દ્વારા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાનું રહ્યું છે.”

આગામી સમયમાં TiE અમદાવાદ TiECON અમદાવાદ – Entre’Thon 2026, Coffee with Mentors, TYE અને TYU જેવી યુવા ઉદ્યોગસાહસિકતા પહેલ તથા વ્યૂહાત્મક સહયોગ દ્વારા સ્થાનિક સ્થાપકોને રાષ્ટ્રીય અને વૈશ્વિક તકો સાથે જોડવાનું ચાલુ રાખશે.

મજબૂત નેતૃત્વ, સક્રિય સભ્ય આધાર અને TiE વૈશ્વિક નેટવર્ક સાથે ઊંડા સંકલન દ્વારા TiE અમદાવાદ આગામી 25 વર્ષમાં પણ ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને નવી દિશા આપવાનું ચાલુ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *