ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળ સંચય ના કાર્યના સંકલ્પને મળશે બળ,સી.આર.પાટીલ સાહેબશ્રી ની હાજરીમાં જળ સંમેલન અને ૧૨ ટાટા હિટાચીનું લોકાર્પણ

  • ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ્દ હસ્તે ટાટા હિટાચી ના લોકાર્પણ અને પૂ.પરમાત્માનંદજી આશીર્વચન પાઠવશે.
  • જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા જળ સંચય ના કાર્યમાં વધુ ગતિ લાવવા માટે ૧૨ અત્યાધુનિક ટાટા હિટાચી મશીન ભેટ સ્વરૂપે આપેલ તેનું લોકાર્પણ થશે.
  • જીવનમાં વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગે પેરેડાઈઝ હોલમાં  વિશાળ જળ સંમેલન નું આયોજન
  • ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૮૦૦૦ થી વધુ જળ સંચયના કાર્ય સંપન્ન.

દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના “જળ સંચય જન ભાગીદારીથી” ના વિચારધારા ને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા આ કાર્ય ને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિ ના સર્વે જીવજંતુ, પશુ-પક્ષી અને જન ની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ ચેકડેમના નિર્માણ કરવાના વિરાટ સંકલ્પના ભાગ રૂપે આગામી તારીખ ૧૨ જુલાઈના રોજ સાંજે ૫:૦૦ કલાકે કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે કેન્દ્રીય કેબીનેટ જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં વિશાળ જળ સંમેલન તેમજ જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા સામાજિક ઉતરદાયિત્વના સંદર્ભમાં ગીરગંગા પરીવાર  ટ્રસ્ટ ને ભેટ સ્વરૂપે આપેલ ૧૨ ટાટા હિટાચી મશીનના લોકાર્પણ નો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સી.આર.પાટીલશ્રી ની સાથે ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં આર્ષ વિધામંદિર મુંજકાના પ.પૂ.સ્વામી શ્રી પરમાત્માનંદજી આર્શીવચન આપશે. અતિથી વિશેષ તરીકે એસ.જે.હૈદર સાહેબ અધિક મુખ્યસચિવશ્રી ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ યુ.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્રી એન. એફ. ચૌધરી સાહેબ, પી.જી.વી.સી.એલ ના એમ.ડી. શ્રી કે.પી.જોષી અને જેટકો ના એમ.ડી. શ્રી ઉપેન્દ્ર પાંડે ઉપસ્થિત માં લોકાર્પણ કરવામાં આવશે.            

ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ડૉ.ભરતભાઈ બોધરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી ની ઉપસ્થિતિમાં યોજાનાર આ જળ સંમેલનમાં ઉદ્યોગપતિશ્રી, દાતાશ્રી, સમાજ શ્રેષ્ઠીશ્રીઓ અને દરેક જિલ્લા અને તાલુકાઓના મહાનુભાઓ ૧૫૦૦ થી વધુ લોકો હાજર રહીને જીવનમાં વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા માટેની માહિતી આપવામાં આવશે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના જર્જરીત અને તુટેલા  ચેકડેમો છે, તે રીપેર કરીને ઊંડા અને ઊંચા કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે. તેમજ જરૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના અત્યાર સુધીમાં લગભગ ૮૦૦૦ જળસંચય ના કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે. અનેક જિલ્લા અને તાલુકામાં જળ સંચય ના સદર્ભમાં આ ખરા અર્થમાં ભગીરથ કાર્ય થઈ રહયું છે, સૌરાષ્ટ્રમાં નાના મોટા ચેકડેમ છે પણ ખરા..!!! પરંતુ તેમાંથી ઘણા ડેમોમાં કાંપ ભરાઈ ગયેલ છે અને પરિણામ સ્વરૂપે આવા ડેમ ખૂબ જ છીછરા થઈ ગયેલ છે. આવા કાંપથી ભરાઈ ગયેલ ચેકડેમ માંથી માટી ઉપાડી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીથી  જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે. ખેડૂતો દ્વારા ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાંખવાથી પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો થાય છે.

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં ૧,૧૧,૧૧૧ ચેકડેમ રિપેરિંગ,ઊંડા,ઊંચા તેમજ નવા બનાવવા, રીચાર્જ બોર કરવા,ખેત તલાવડી કરવાનો દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. જે પૈકી ૮૦૦૦ સ્ટ્રક્ચર થઈ ગયેલ છે. તેમાં ગીરગંગા પરીવાર ટ્રસ્ટને સમાજમાંથી મોટી સંખ્યામાં દાતાઓ અને નાગરિકો જોડાઈ  ગયેલ  છે. હાલના સમયમાં બેંગ્લોર અને દિલ્લી જેવા શહેરોમાં પ્રવર્તી રહેલી પાણીની અછતની પરિસ્થિતિ આપણે ત્યાં ઉભી ન થાય અને લોકો વરસાદી અમૃત સમાન  શુધ્ધ પાણીનું મહત્વ સમજી અને પોતાના જન્મદિવસે, લગ્નદિવસે કે પરીવારના કોઈ સ્વજનોની  પુણ્યતિથિ  તેમજ પોતાના ઘરે આવતા દરેક પ્રસંગોને  કાયમી યાદગાર બનાવવા માટે પોતાના વતનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવીને વર્ષો ના વર્ષો સુધી  સૃષ્ટિ પરના સર્વે જીવોની રક્ષા કરી શકે છે. વર્ષો પહેલા નદી અને તળાવોમાં પાણી હોવાથી ત્યાં આજુબાજુમાં વૃક્ષોથી ભરપૂર પ્રકૃતિ ખીલી ઉઠતી હતી. તેથી દરેક પશુ–પક્ષી, જીવ-જંતુ ઓને પીવાના પાણી અને ખોરાક સાથે રહેણાંક મળી રહેતુ હતું. પરંતુ અત્યારના સમયમાં પાણીના તળ ખુબજ ઊંડા જતા રહેવાના પરિણામે  પ્રકૃતિનો નાશ થઈ રહયો છે, તેનાથી સૃષ્ટિ પરના અનેક જીવોનો પણ પાણીના અભાવે નાશ થઈ રહયો છે અને માનવસમાજ પણ રોગીષ્ટ બની રહયો છે, ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા કાર્ય કરી રહયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *