ગુજરાતી ફિલ્મ ‘ડમરુ’ને સ્થાનિક સિનેમાઘરોમાં યોગ્ય શો અને સ્ક્રીન ફાળવવા પ્રાદેશિક સિનેમા ટીમ અને નિર્માતાઓની રાજ્ય સરકાર તથા સિનેમા માલિકોને નમ્ર અપીલ

ગુજોત્સવ પ્રોડક્શન્સ અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને હાલમાં જ થિયેટરોમાં રિલીઝ થયેલી હાર્દિક પરીખ નિર્દેશિત અને સંજય ગોરડિયા, નક્ષરાજ ,મૌલિક ચૌહાણ તથા મકરેન્દ શુક્લા જેવા જાણીતા કલાકારો અભિનીત ગુજરાતી કૉમેડી-ડ્રામા કેટેગરીની ફિલ્મ ડમરુ ને દર્શકો તરફથી અત્યંત બહોળો પ્રતિસાદ અને પ્રેમ મળી રહ્યો છે. ગુજરાતી પ્રેક્ષકો પોતાના પરિવાર સાથે આ પ્રાદેશિક ફિલ્મને પસંદ કરી રહ્યા છે અને હાઉસફુલના શો નોંધાઈ રહ્યા છે. પરંતુ, તહેવારોની મોસમમાં અન્ય મલ્ટી-બજેટ હિન્દી/બીજી ભાષાની ફિલ્મો (જેમ કે ‘રામાયણ’) ના રિલીઝ થવાથી સ્થાનિક ગુજરાતી ભાષાની આ સફળ ચાલતી ફિલ્મને સિનેમાઘરોમાં પૂરતા શો અને સ્ક્રીન મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘણા થિયેટર માલિકો ઈચ્છતા હોવા છતાં વિતરણ કંપનીઓના દબાણ અથવા મોટા બેનરની કન્ટેન્ટ કંડિશન્સને કારણે ગુજરાતી ફિલ્મોને શો આપી શકતા નથી. પરિણામે દર્શકોની માંગ હોવા છતાં ‘ડમરુ’ ફિલ્મને સ્ક્રીન વગર અન્યાય સહન કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ માત્ર એક ફિલ્મ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ટેક્નિશિયન્સ, કેમેરામેન, લાઇટમેન, સ્પોટબોય અને અન્ય નાના-મોટા કલાકારોની આજીવિકા તેમજ રોજગાર પર પણ નકારાત્મક અસર પાડે છે.

તેમજ તહેવારોના સમયમાં મોંઘી ટિકિટો (રૂ.1500–રૂ.2000) ખરીદવા અસમર્થ એવા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોસાય તેવી દરની (રૂ.100–રૂ.200) ગુજરાતી ફિલ્મો જ શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડે છે. જો સ્થાનિક ફિલ્મોને જ શો ન મળે, તો સામાન્ય દર્શકો પણ પોતાની ભાષાની ફિલ્મ જોવાની તકથી વંચિત રહી જાય છે. ‘ડમરુ’ની ટીમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્ય કોઈ મોટી ફિલ્મની વિરુદ્ધ નથી, પરંતુ માતૃભાષાની ફિલ્મને પોતાની જ ધરતી પર ઓછામાં ઓછા ૧ થી ૨ શોની યોગ્ય તક મળવી જ જોઈએ.

આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ ‘ડમરુ’ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહમંત્રીશ્રી, ગુજરાત સરકાર, તમામ સિનેમા માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સને નમ્ર આગ્રહ કરવામાં આવ્યો છે કે દર્શકોની માંગ અનુસાર દરેક મલ્ટિપ્લેક્સ અને થિયેટરમાં ‘ડમરુ’ ફિલ્મને ઓછામાં ઓછા ૧–૨ શો ફાળવવામાં આવે જેથી ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાનું અસ્તિત્વ ટકી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *