અમદાવાદમાં IAF EDI+IONS ની બીજી એડિશનનું આયોજન  :  શહેરના આર્ટ, ડિઝાઇન અને આર્કિટેક્ચરના સમૃદ્ધ વારસાની ઉજવણી

ગયા વર્ષે હૈદરાબાદમાં તેની પ્રથમ એડિશનની ભવ્ય સફળતા બાદ, ઇન્ડિયા આર્ટ ફેર IAF EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લઈને આવ્યું. જે 19-20 સપ્ટેમ્બર 2026 દરમિયાન ધ બેરોનેટ હાઉસ (સંજય એમ. એસ. રાવલ સ્કિલ સેન્ટર) ખાતે યોજાશે. IAF EDI+IONS અમદાવાદમાં 18 સહભાગીઓ એકસાથે આવ્યા. જેમાં અમદાવાદ સ્થિત 5 ગેલેરીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગે ઇન્ડિયા આર્ટ ફેરના ફેર ડિરેક્ટર જયા અશોકન એ માહિતી આપી. સાથે જ ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ ચેરપર્સન અને કલાના જાણીતા મર્મજ્ઞ શ્રીમતી મેહા પટેલે માહિતી આપી.

ઇન્ડિયા આર્ટ ફેરના ફેર ડિરેક્ટર જયા અશોકને જણાવ્યું હતું કે હૈદરાબાદમાં પ્રથમ એડિશનને મળેલા અદ્ભુત પ્રતિસાદ પછી, તેઓ IAF EDI+IONS ને અમદાવાદમાં લાવવા માટે ખૂબ ઉત્સાહિત છે. અમદાવાદ હંમેશાં ભારતની સાંસ્કૃતિક સફરમાં એક અનોખું સ્થાન ધરાવે છે, જેને કલાકારો, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ, કારીગરો અને કળાપ્રેમીઓની પેઢીઓએ આકાર આપ્યો છે. આ આવૃત્તિ સાથે, તેઓ એ વારસાની ઉજવણી કરવા અને શહેરના સર્જનાત્મક સમુદાયને દેશભરના અવાજો સાથે જોડવા માંગે છે, જેથી દિલ્હીના વાર્ષિક ફેરથી આગળ વધીને પ્રાદેશિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવી શકાય.

ઈન્ડિયા આર્ટ ફેર (IAF) EDI+IONS અમદાવાદ અંગે વાત કરતા ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ ચેરપર્સન અને કલાના જાણીતા મર્મજ્ઞ શ્રીમતી મેહા પટેલે જણાવ્યું હતું કે, “IAF EDI+IONS નું અમદાવાદમાં આગમન અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે શહેરની ઊંડે સુધી વણાયેલી સર્જનાત્મક સહજતા સાથે જોડાય છે. તેના સમૃદ્ધ ટેક્સટાઇલ ઇતિહાસ, ડિઝાઇનના વારસા અને આર્કિટેક્ચરલ મહત્વકાંક્ષા સાથે, અમદાવાદને આર્ટ વર્લ્ડમાં કોઈ પરિચયની જરૂર નથી; તેને માત્ર એક એવા મંચની જરૂર છે જે તેના આંતરિક સામર્થ્યને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તક આપે. ફેરનો આર્ટ અને ડિઝાઇન પરનો સંકલિત ધ્યાન કેન્દ્રિત કરવાનો અભિગમ એ દર્શાવે છે કે અહીં ટેક્સટાઇલ, આર્કિટેક્ચર, હસ્તકળા અને ફાઇન આર્ટ્સ ક્ષેત્રે સર્જનાત્મકતા હંમેશા કેવી રીતે વિકસતી રહી છે. IAF EDI+IONS ને સમર્થન આપીને, ઝાયડસ ફાઉન્ડેશન સ્થાનિક અને ઉભરતા કલાકારો તથા કારીગરો માટે વધુ સારી દ્રશ્યતા (visibility), માર્કેટ એક્સેસ અને અર્થપૂર્ણ તકો ઊભી કરવાની આશા રાખે છે, સાથે જ શહેરને તેની સાંસ્કૃતિક સંરક્ષણની મજબૂત પરંપરાને આગળ ધપાવવા માટે પ્રોત્સાહિત કરે છે.”

આ ફેર ભારતભરના આધુનિક અને સમકાલીન કળા તથા ડિઝાઇનના અગ્રણી કલાકારોની સાથે અમદાવાદની આગવી કલાત્મક ઇકોસિસ્ટમને પણ રજૂ કરશે. 18 સપ્ટેમ્બરથી શરૂ થયેલ એક શહેરવ્યાપી કાર્યક્રમ હેઠળ આ પ્રદર્શન સિવાય પણ ગેલેરી વૉકથ્રુ, આર્ટિસ્ટ ઓપન સ્ટુડિયો, પ્રદર્શનો, સંગીત, સંવાદો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો ઝાયડસ ફાઉન્ડેશન, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ અમદાવાદ (MCAA), રો મેંગો અને આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટ (AD) જેવા ભાગીદારો સાથે મળીને તૈયાર કરવામાં આવ્યા છે. BMW ઇન્ડિયા IAF EDI+IONS ના પ્રેઝન્ટિંગ પાર્ટનર તરીકે પોતાની ભાગીદારી ચાલુ રાખી રહ્યું છે, જે ઇન્ડિયા આર્ટ ફેર સાથેના તેના લાંબા ગાળાના સહયોગને આગળ ધપાવે છે.

હૈદરાબાદની સફળતા બાદ, ઇન્ડિયા આર્ટ ફેર ક્ષેત્રીય સ્તરે કળાનો વિસ્તાર કરવા અને સમગ્ર ભારતમાં આર્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના પોતાના સંકલ્પને પુનઃવ્યક્ત કરે છે, જે દક્ષિણ એશિયાની શ્રેષ્ઠ કળા અને સંસ્કૃતિની ઉજવણી કરે છે. 19-20 સપ્ટેમ્બર 2026 દરમિયાન બેરોનેટ હાઉસ ખાતે યોજાનાર આ ફેર 18 અગ્રણી ગેલેરીઓ (જેમાં અમદાવાદની 5 ગેલેરીઓ સામેલ છે), 2 ડિઝાઇન સહભાગીઓ અને 1 સંસ્થાને એકમંચ પર લાવ્યા. શાહીબાગના ઐતિહાસિક વિસ્તારમાં આવેલી સદી જૂની ઈન્ડો-ગોથિક ઈમારત બેરોનેટ હાઉસને આ પ્રદર્શન દ્વારા કલાત્મક અને સાંસ્કૃતિક આદાનપ્રદાન માટેના એક જીવંત પ્લેટફોર્મમાં ફેરવવામાં આવશે.

BMW ગ્રુપ ઇન્ડિયાના પ્રમુખ અને CEO હરદીપ સિંહ બ્રારે પણ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમદાવાદનો સમૃદ્ધ કલાત્મક અને સ્થાપત્ય વારસો, કારીગરીની ભાવના અને નવીનતાની સંસ્કૃતિ આ નવી સફર માટે એક આદર્શ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. આ ચાલુ સહયોગ દ્વારા તેઓ દક્ષિણ એશિયામાં સંસ્કૃતિના ભવિષ્યને આકાર આપતા સર્જનાત્મક સંવાદો અને આદાનપ્રદાનને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

આ ઉત્સવની શરૂઆત શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026ના રોજ ગેલેરી વૉકથ્રુની સિરીઝ સાથે થયો, જે અમદાવાદના સમૃદ્ધ કલાત્મક વારસાની ઉજવણી કરશે. મુલાકાતીઓ 079 | STORIES ART GALLERY, ઈરામ મોર્ડન, અને આર્ચર આર્ટ ગેલેરી ખાતેના પ્રદર્શનો જોઈ શકશે. 079 | STORIES ART GALLERY ખાતે કલાકાર ખંજન દલાલ સિરામિક્સમાં તેમની મૂર્તિકળા શ્રેણી ‘ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન’ રજૂ કરશે. ઈરામ મોર્ડન ‘નો સિંગલ ગ્રાઉન્ડ’ હેઠળ આધુનિક કલાકારોની કૃતિઓનું પ્રદર્શન કરશે, જ્યારે આર્ચર આર્ટ ગેલેરી કલાકાર ગણેશ ગોહાઈનના 60મા જન્મવર્ષ નિમિત્તે તેમની એકલ પ્રદર્શની ‘પરિક્રમા’ રજૂ કરશે, જે ગુજરાત, અરૂણાચલ પ્રદેશ અને અસમની વાર્તાઓને વણે છે.

18 સપ્ટેમ્બરે GALLERYSKE અને મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ અમદાવાદ (MCAA) વચ્ચેના મોટા સંસ્થાકીય સહયોગથી મ્યુઝિયમના સેટેલાઇટ વેન્યુ ખાતે ‘આઈ ડ્વેલ ઇન પોસિબિલિટી’ પ્રદર્શન પણ ખુલશે. એમિલી ડિકિન્સનની કવિતા પરથી શીર્ષક મેળવનાર આ પ્રદર્શન પાંચ સમકાલીન કલાકારોના કામથી શરૂ થાય છે અને અર્જુન જયદેવ દ્વારા પસંદ કરાયેલા પુસ્તકો, ફેન્ટમ હેન્ડ્સ દ્વારા ફર્નિચર, પ્રિયેશ પટેલ દ્વારા છોડ, નિશાંત મિત્તલ દ્વારા સંગીત અને શીતલ ભટ્ટના લખાણો સાથે સંવાદ સ્થાપિત કરે છે.

મુખ્ય આર્ટ ગેલેરીઓ ઉપરાંત, IAF EDI+IONS અમદાવાદ ડિઝાઇન ક્ષેત્રના બે જાણીતા નામો પણ રજૂ કરે છે. મુંબઈ સ્થિત જ્વેલરી ડિઝાઇન સ્ટુડિયો ‘સ્ટુડિયો રેન’ પહેરી શકાય તેવી કળાને એક શિલ્પ કળા તરીકે રજૂ કરે છે, અને આશિષ શાહ તેમની વાબી-સાબી ફિલસૂફીમાં મૂળ ધરાવતી ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રેક્ટિસ દ્વારા લાઇટિંગ, ફર્નિચર અને વસ્તુઓમાં આધુનિક સંવેદનાઓ રજૂ કરે છે.

દક્ષિણ એશિયામાં આર્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના મિશન પર આગળ વધતાં, IAF EDI+IONS ફેર દિલ્હીથી આગળ વધીને કલેક્ટર્સ અને સંસ્થાઓ માટે પ્રાદેશિક અનુભવો પૂરા પાડે છે. આ બે દિવસીય કાર્યક્રમમાં 079 | સ્ટોરીઝ આર્ટ ગેલેરી (અમદાવાદ), આકાર પ્રકાર (દિલ્હી/કોલકાતા), આર્ચર આર્ટ ગેલેરી (અમદાવાદ), આશિષ શાહ (મુંબઈ), અશ્વિતાઝ (ચેન્નઈ/દુબઈ), ચેટરજી એન્ડ લાલ (મુંબઈ), એક્સપેરિમેન્ટર (કોલકાતા/મુંબઈ), ઈરામ મોર્ડન (અમદાવાદ), લેટિટ્યુડ 28 (દિલ્હી), નેચર મોર્તે (દિલ્હી/મુંબઈ), પબ્લિક આર્ટ્સ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા-PATI (જોધપુર), ફોટોઇન્ક (દિલ્હી), સમરા આર્ટ ગેલેરી (અમદાવાદ), શ્રાઇન એમ્પાયર (દિલ્હી), સ્ટુડિયો રેન (મુંબઈ), થ્રેશોલ્ડ આર્ટ ગેલેરી (દિલ્હી), વઢેરા આર્ટ ગેલેરી (દિલ્હી), અને ઝોકા (અમદાવાદ) ભાગ લઈ રહ્યા છે, જ્યારે સમરા આર્ટ ગેલેરી અને PATI ખુલ્લા પરિસરમાં આઉટડોર પ્રોજેક્ટ્સ રજૂ કરશે.

IAF EDI+IONS અમદાવાદ BMW ઇન્ડિયાની ભાગીદારીમાં રજૂ કરવામાં આવી રહ્યું છે, જેનો ઇન્ડિયા આર્ટ ફેર સાથેનો સહયોગ હવે 11મા વર્ષમાં પ્રવેશ્યો છે. તેમની સાથે સિગ્નેચર પાર્ટનર તરીકે હાઉસ ઓફ ઉમરાવ અને ઝાયડસ ફાઉન્ડેશન, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમ, MCAA, રો મેંગો, આર્કિટેક્ચરલ ડાઇજેસ્ટ વગેરે જેવા પ્રોગ્રામિંગ પાર્ટનર્સ જોડાયેલા છે. IAF EDI+IONS અમદાવાદ 19-20 સપ્ટેમ્બર 2026ના રોજ બેરોનેટ હાઉસ ખાતે ખુલશે, જ્યારે ઇન્ડિયા આર્ટ ફેરની 18મી મુખ્ય આવૃત્તિ 4-7 ફેબ્રુઆરી 2027 દરમિયાન NSIC ગ્રાઉન્ડ્સ, નવી દિલ્હી ખાતે યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *