બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક : ફિલ્મ ‘બિચારો બેચલર’ના ટ્રેલરે મચાવી ધમાલ

ગુજરાત : 2 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ ‘બિચારો બેચલર’નું મચ – અવેઇટેડ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે આ ફિલ્મ કોમેડી અને ડ્રામાથી ભરપૂર હશે. બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક બતાવતી આ ફિલ્મમાં તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં છે. ફૂલ ફેમિલી સાથે હસી હસીને લોટ – પોટ થઈ જવાય તેવી આ ફિલ્મની કહાની 28 વર્ષના યુવાન અનુજની આસપાસ ફરતી છે, જે પોતાના પરિવાર સાથે ‘પરફેક્ટ દુલ્હન’ શોધવાની મજેદાર, લાગણીઓથી ભરપૂર અને સંબંધોને સ્પર્શતી સફર પર નીકળે છે. ટ્રેલરમાંથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ હળવા-ફુલકા હાસ્ય સાથે પરિવારિક લાગણીઓ, સમાજની રમૂજી પરિસ્થિતિઓ અને સંબંધોની મીઠાશને સુંદર રીતે રજૂ કરે છે.

વીર સ્ટુડિયોઝની સાથે રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગથી બનેલી આ ફિલ્મને એસ. આર. પટેલ અને રાજુ રાડિયા (જર્સી સિટી) પ્રોડ્યુસ કરી રહ્યા છે. ગુજરાતી સિનેમાના જાણીતા દિગ્દર્શક વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં ડૉ. જયેશ પટેલ (જર્સી સિટી) અને નિખિલ રાયકુંડલીયા (જર્સી સિટી) કો-પ્રોડ્યુસર્સ તરીકે જોડાયેલા છે. ફિલ્મમાં તુષાર સાધુ  સાથે 9 પ્રતિભાશાળી અભિનેત્રીઓ પણ મહત્વની ભૂમિકામાં છે.

‘બિચારો બેચલર’માં તુષાર સાધુ સાથે પ્રશાંત બારોટ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી, સાહિલ પટેલ, અંશુ જોશી, હિરવ ત્રિવેદી, ભૂમિકા પટેલ, દીપેન રાવલ, કૃણાલ ભટ્ટ અને કૃણાલ સુથાર જેવા કલાકારો નજરે પડશે. અભિનેત્રીઓમાં ટ્વિંકલ પટેલ (કચ્છડિયા), રિદ્ધિ ડાંગર, શિવાની પંચોલી, માધવી પટેલ, તીર્થા, ક્રિના પાઠક, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી અને આંચલ શાહ મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે.

અભિનેતા તુષાર સાધુ જણાવે છે કે , જ્યારે કોઈ પુરુષ 26-27 વર્ષની ઉંમરે પહોંચે અને હજુ અપરિણિત હોય, ત્યારે તેના માતા-પિતા પર તેને પરણાવવાનું દબાણ વધવા લાગે છે. ધીમે-ધીમે આ દબાણ તે વ્યક્તિ પર પણ આવવા લાગે છે તેને લાગવા માંડે છે કે ઉંમર વધી રહી છે, લગ્ન બાકી છે, અને તેના મિત્રો તો પરણીને એક-બે બાળકોના પિતા પણ બની ગયા છે. તેની આસપાસના દરેક વ્યક્તિના લગ્ન થઈ રહ્યા હોય છે અને લોકો તેને સતત એક જ સવાલ પૂછ્યા કરે છે, ‘તું ક્યારે પરણીશ?’ આ માનસિક દબાણ સતત રહ્યા કરતું હોય છે. મેં વિપુલ સરને પણ કહ્યું હતું કે આપણે આ વિષય પર એક ફિલ્મ બનાવવી જોઈએ. તેમણે પોતે પણ આવો જ અનુભવ કર્યો હતો, એટલે અમે સાથે મળીને આ વિષય પર કામ કરવાનું શરૂ કર્યું. અમે બીજા ઘણા લોકો સાથે વાત કરી અને તેમની વાર્તાઓ પણ સાંભળી. આ રીતે આ ફિલ્મની પટકથા તૈયાર થઈ. આ એક 28 વર્ષના યુવાનની સફર છે જે લગ્નના દબાણ સામે ઝઝૂમી રહ્યો છે, અને તેના માતા-પિતા પણ આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરે છે તે આમાં વણી લેવાયું છે.”

દિગ્દર્શક વિપુલ શર્મા જણાવે છે કે, “આ ફિલ્મની વાર્તા  એક સાર્વત્રિક સત્ય દર્શાવે છે: માત્ર પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આ વિચારમાંથી જ ‘બિચારો બેચલર’નું નિર્માણ થયું. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક 27-28 વર્ષની વ્યક્તિને લગ્નની વાતોમાં ધકેલવામાં આવે છે, માતા-પિતા કેવી રીતે પાત્રો શોધવાનું શરૂ કરે છે, અને છોકરા-છોકરીઓની એકબીજા પાસેથી શું અપેક્ષાઓ હોય છે. આ એક એવી ફિલ્મ છે જેની સાથે દરેક વ્યક્તિ જોડાઈ શકશે, કારણ કે તે ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે સમાજનું દબાણ પરિવાર અને યુવાનો પર કેવી અસર કરે છે.”

‘બિચારો બેચલર’ 2 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. હાસ્ય, લાગણી અને શુદ્ધ મનોરંજનનું આ સરસ મિશ્રણ ગુજરાતી દર્શકો માટે એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર બનશે એવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *